બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ.
અલ્લાહ કોણ છે?
આ સત્ય સ્વીકાર્યા વિના મનુષ્ય માટે કોઈ છૂટકો નથી કે આ સૃષ્ટિનો સર્જનહાર ફક્ત એક જ છે. જેનાં વ્યવસ્થાપન હેઠળ આ સૃષ્ટિનું કાર્ય ચાલી રહ્યું છે. જેના વિરુદ્ધ કોઈ નથી જઈ શકતું. સમગ્ર સૃષ્ટિ તેને જ આધીન છે. તે જ આપણા સૌનો સર્જનહાર છે. નોંધનીય છે કે તેણે આપણું સર્જન નિરર્થક નથી કર્યું, પરંતુ તેણે આપણું સર્જન એક નિશ્ચિત હેતુ માટે કર્યું છે અને તે છે : તે એકમાત્ર સર્જનહારની ઈબાદત (ઉપાસના).
“મેં (અલ્લાહએ) જીન્નાતો અને મનુષ્યોનું સર્જન ફક્ત એટલા માટે કર્યું કે તેઓ ફક્ત મારી જ ઈબાદત કરે." (કુરઆનબોધ : સૂરહ ઝારિયાત,૫૬)
જયારે આપણા જીવનનું લક્ષ્ય જ તે સર્જનહારની ઈબાદત છે, તો આપણા માટે તે સર્જનહારનો પરિચય મેળવવો ખૂબ જ જરૂરી બની રહે છે.
“ હે લોકો ! પોતાના પાલનહારની ઈબાદત કરો, જેણે તમારું અને તમારાથી અગાઉના લોકોનું સર્જન કર્યું. જેથી તમે પરહેઝગાર (નેક) બની જાઓ.” (કુરઆનબોધ : સૂરહ બકરહ, ૨૧)
" તે જ અલ્લાહ એ તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવી અને આકાશ માંથી પાણી વરસાવીને તેનાથી ફળો પેદા કરીને તમને રોજી આપી, તો જાણવા છતાં અલ્લાહની સાથે અન્યને ભાગીદાર ન બનાવો." (કુરઆનબોધ : સૂરહ બકરહ,૨૨)
" ન તો અલ્લાહએ કોઈને પુત્ર બનાવ્યો અને ન તેની સાથે અન્ય કોઈ મઅબૂદ (પૂજ્ય,ઉપાસ્ય) છે, નહીંતર દરેક મઅબૂદ પોતાના સર્જનને લઇને અલગ થઇ જતો, અને દરેક એકબીજા પર ચઢાઈ કરતા, જે ગુણો આ લોકો જણાવે છે તેનાથી અલ્લાહ પવિત્ર છે." (કુરઆનબોધ : સૂરહ મુઅમિનૂન,૯૧)
"ન તેની કોઈ સંતાન છે અને ન તે કોઈની સંતાન છે." (કુરઆનબોધ : સૂરહ ઇસ્લાસ, ૩)
"તે આકાશો અને ધરતીને અસ્તિત્વમાં લાવનાર છે, અલ્લાહ તઆલાને સંતાન કેવી રીતે હોઈ શકે છે જયારે કે તેને પત્ની જ નથી અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનું સર્જન કર્યું અને તે દરેક વસ્તુને સારી રીતે જાણનાર છે.” (કુરઆનબોધ : સૂરહ અનુઆમ, ૧૦૧)
"તે હંમેશા જીવિત રહેનાર અલ્લાહ પર ભરોસો કરો જેને કદાપિ મૃત્યુ નથી......" (કુરઆનબોધ : સૂરહ ફુરકાન, ૫૮)
અલ્લાહને ખોરાકની જરૂર પડતી નથી. "અને અલ્લાહ ખવડાવે છે અને તે ખાતો નથી......." (કુરઆનબોધ : સૂરહ અનુઆમ, ૧૪)
"અલ્લાહને ન ઝોકું આવે છે અને ન જ ઊંઘ....." (કુરઆનબોધ : સૂરહ બકરહ, ૨૫૫)
".... ન તો મારો પાલનહાર (અલ્લાહ) ભૂલ કરે છે, ન જ ભૂલે છે." (કુરઆનબોધ : સૂરહ તાહા, ૫૨)
"(હે પયગંબર (-) I) કહી દો કે તે અલ્લાહ એક જ છે.” (કુરઆનબોધ : સૂરહ ઇબ્લાસ, ૧)
"અલ્લાહ તઆલા કહી ચૂક્યો છે કે બે મઅબૂદ ન બનાવો, મઅબૂદ તો ફક્ત તે એક જ છે, તો તમે સૌ ફક્ત મારાથી (અલ્લાહથી) જ ડરો.” (કુરઆનબોધ : સૂરહ નહલ, ૫૧)
“ જો આકાશો અને ધરતીમાં એક અલ્લાહ સિવાય અન્ય મઅબૂદ પણ હોત તો આ બંને (આકાશો અને ધરતી) છિન્નભિન્ન થઇ જતા..."
(કુરઆનબોધ : સૂરહ અમ્બિયા, ૨૨)
“ (હે લોકો !) તમારા સૌનો મઅબૂદ એક જ છે, તેના સિવાય કોઈ સાચો મઅબૂદ નથી; તે અત્યંત કૃપાળુ, અત્યંત દયાળુ છે." (કુરઆનબોધ : સૂરહ બકરહ, ૧૬૩)
જયારે આપણો સર્જનહાર ફક્ત એક જ છે, આપણને રોજી આપનાર ફક્ત એક જ છે, આ સૃષ્ટિનું સંચાલન કરનાર પણ ફક્ત એક જ છે, તો નિષ્કર્ષ આ જ મળે છે કે ફક્ત તેની જ ઈબાદત કરવામાં આવે. તેના સિવાય અન્ય કોઈ જ ઈબાદત ને લાયક નથી, કારણ કે કોઈ જ તેના જેવું નથી. કોઈ અન્ય સર્જનહાર નથી, કોઈ અન્ય પાલનહાર નથી. જો કોઈ મનુષ્ય સર્જનહારની ઈબાદત ન કરે પરંતુ તેની ઈબાદત કરે જેણે કંઈ જ સર્જન નથી કર્યું, અથવા સર્જનહારની ઈબાદત તો કરે પરંતુ સાથે સાથે તેની પણ ઈબાદત કરે જેણે કંઈ જ સર્જન નથી કર્યું તો આ અક્ષમ્ય પાપ છે. આ સંદર્ભમાં કુરઆન કહે છે :
"નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે શિર્ક કરવાને માફ નથી કરતો, અને તેના સિવાય જેને ઈચ્છે માફ કરી દે છે, અને જેણે અલ્લાહની સાથે અન્યને ભાગીદાર ઠેરવ્યો તેણે ઘણી જ મોટી તહોમત સાથે ઘણું જ મોટું પાપનું કામ કર્યું." (કુરઆનબોધ : સૂરહ નિસા, ૪૮)
* તે હંમેશાથી છે, તે સમયે પણ હતો જયારે સૃષ્ટિનું અસ્તિત્વ પણ ન હતું. અલ્લાહ સિવાય જે કંઈ પણ છે તેનું સર્જન અલ્લાહ એ જ કર્યું છે.
* અર્થાત્ દરેકને તેની જરૂર છે, તેને કોઈની જરૂર નથી.
* કોઈ પણ હસ્તી તેની બરાબરીમાં નથી પહોંચી શકતી. (કુરઆનબોધ : સૂરહ ઇબ્લાસ, ૧ થી ૪)
Button Test